દેશના ઘણા ભાગોમાં લૂનો પ્રકોપ વધી રહ્યો છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C ને પાર પહોંચી ગયો છે. ગુરુવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી વધુ 44.5°C તાપમાન નોંધાયું. યુપીના પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં 44.4°C, જ્યારે અકોલામાં 44.3°C પારો નોંધાયો.
વધતી ગરમીના કારણે રાજસ્થાનના જયપુર, કોટા, ચિત્તોડગઢ, જેસલમેર અને દૌસામાં શાળાઓનો સમય સવારે 7.30 વાગ્યાથી કરી દેવામાં આવ્યો છે. બીકાનેર, ઝુનઝુનુ અને જેસલમેરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના (મનરેગા) ના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મજૂરો સવારે 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જ કામ કરશે.
આ તરફ, ઓડિશામાં પણ ગુરુવારે હીટવેવની અસર ચાલુ રહી. ઝારસુગુડા અને તાલચરમાં મહત્તમ તાપમાન 44°C નોંધાયું. રાજ્યના 24 સ્થળોએ તાપમાન 40°C કે તેથી વધુ રહ્યું. કટકમાં શાળા અને કોલેજોની રજાઓ 27 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે રાયગઢા, ઝારસુગુડા અને ગંજામ જિલ્લાઓમાં 26 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે.