રાજકોટ શહેરનાં પંચનાથ પ્લોટમાં રહેતાં ડાન્સ કોરિયોગ્રાફર અને શિક્ષિકા લીનાબેન શાહ મોબાઈલમાં આવેલ જાહેરાતના આધારે વેબસિરિઝ અને સીરિયલમાં કામ કરવાની લાલચમાં રૂ.8 લાખ ગુમાવ્યાં છે. આ અંગે ફરિયાદી લીનાબેન અભયભાઈ શાહ (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં માહી ઉર્ફે શાઇન અફસર અલી, સોનમ ઉર્ફે શગુફતાબાનુ અફસર અલી અને અરમાન અફસર અલી તેમજ ભૂષણના નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી સાસુ-સસરા સાથે રહે છે અને તેના પતિનુ વર્ષ 2019માં અવસાન થયેલ છે. તેણી ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે છેલ્લા 4 વર્ષથી નોકરી કરે છે. તેણી ડાન્સ કોરીયોગ્રાફર છે અને અલગ-અલગ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરે છે. વર્ષ 2022માં તેને મોબાઇલ પર ન્યુઝ પેપર ગ્રુપમા જાહેરાત જોયેલ કે, ટીવી સીરીયલમાં કામ કરવા માટે અમારે સારા કલાકારોની જરૂર છે, રસ ધરાવતા હોય તેઓએ નોવા હોટલમાં રૂબરૂ હાજર રહેવુ એવી જાહેરાત હતી. જેથી, તેણી અને હીતેશભાઈ વર્ષ 2022ના જુન મહિનામાં નોવા હોટલ ખાતે ગયેલ ત્યા સોનમ ઉર્ફે સગુફ્તા, માહી ઉર્ફે શાઇનએ તેમનું ઓડીશન લીધેલ અને તેમની પાસેથી બન્ને મહીલાએ ફોર્મ ભરાવી રૂ.20 હજાર માંગતા તેઓને રૂ.20 હજાર રોક્ડા આપેલ હતા તેમજ બંને મહિલાએ જણાવેલ કે, તમારું કામ સારૂ છે, થોડા દીવસો બાદ અમે રાજકોટ આવી તમારો સંપર્ક કરીશું.