જસદણ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ જાણે પોલીસનો ખોફ ગુમાવ્યો હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગઢડીયા ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 1.04 લાખની મત્તાની ચોરી કરતા ચકચાર મચી ગઈ હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર માત્ર ત્રણ કલાક માટે ગામમાં એક માઠા પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. સાથે જ પડોશીઓએ કોઈ શંકાસ્પદ હલચલ ધ્યાનમાં ન આવતા તસ્કરો બેફિકર રીતે ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. ગઢડીયા ગામની સીમમાં ટીટોડીયા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા સંતોષભાઈ મોહનભાઈ ચાવડાએ જસદણ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 25ના રોજ ગામમાં માઠો પ્રસંગ હોવાથી તેઓ બપોરે 12 વાગ્યાની આસપાસ પત્ની અને દીકરી સાથે મકાનને તાળું મારીને ગયા હતા.
બપોરે 3 વાગ્યાની આસપાસ પરત ફરતા મકાનની ડેલીનું તાળું ચાવીથી ખુલ્યું ન હતું અને દાતરડા વડે તાળું મચકોડીને અંદર જઈ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરોએ મકાનમાંથી ત્રણ તોલાનો સોનાનો હાર, દોઢ તોલાની સોનાની બુટ્ટી, સોનાનો ચેન, ચાંદીનો જુડો અને રોકડ રકમ મળી કુલ રૂ. 1,04,200 ની મત્તા પર હાથફેરો કર્યો હતો.
ધોળા દિવસે થયેલી આ ચોરીથી પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સોને પકડવા તપાસ તેજ કરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હલચલની માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ગ્રામજનોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની માંગ ઉઠી છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને.