‘મને દાદી પાસે રહેવા દો’,15 વર્ષના દીકરાએ માગી હાઈકોર્ટની મદદ

માતાના અમાનવીય વર્તન અને શારીરિક શોષણથી કંટાળીને એક 15 વર્ષીય સગીરે પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સગીરે તેની છૂટાછેડા લીધેલી માતા સામે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કડક રક્ષણ આપવા અને માતા વિરુદ્ધ FIR નોંધવા દાદ માંગી છે. આ સાથે જ તેણે સ્પષ્ટ વિનંતી કરી છે કે, તેને મોરબી ખાતે રહેતા તેના દાદા-દાદી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે, કારણ કે તે ત્યાં પોતાને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.

દાદી મારફતે દાખલ થયેલી આ અરજીઓની સુનાવણી હાથ ધરીને હાઇકોર્ટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને અમદાવાદ શહેર પોલીસ સહિતના સત્તાવાળાઓને નોટિસ પાઠવી 28 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

માતા ઘરકામ કરાવતી, છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ
અરજીમાં રજૂ થયેલી વિગતો અનુસાર, સગીરના માતા-પિતાના વર્ષ 2020માં છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તેની કસ્ટડી સરખેજ વિસ્તારમાં રહેતી માતા પાસે હતી. સગીરના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે અને પિતૃપક્ષ મોરબીમાં વસે છે. કિશોરે ગંભીર આરોપ લગાવ્યો છે કે તેની માતા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથે અત્યંત હિંસક અને અપમાનજનક વર્તન કરતી હતી. તેની પાસે ઘરકામ કરાવવામાં આવતું હતું અને જ્યારે પણ તે ઘરમાં એકલો હોય ત્યારે તેનો ઉપયોગ રોકવા માટે માતા વીજ પુરવઠો બંધ કરી દેતી હતી. આટલું જ નહીં, એક પ્રસંગે માતાએ તેના પર છરી વડે કથિત હુમલો પણ કર્યો હતો, જેના પગલે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી માતા સામે ગુનો નોંધવા માંગ કરી હતી.

સત્તાવાળાઓની નિષ્ક્રિયતા સામે હાઇકોર્ટમાં બે અરજીઓ દાખલ
પોલીસ અને બાળ કલ્યાણ સમિતિમાં માત્ર નિવેદનો નોંધાયા સિવાય કોઈ નક્કર રક્ષણાત્મક પગલાં ન લેવાતાં સગીર મોરબી ખાતે પોતાના દાદા-દાદી પાસે પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, સત્તાવાળાઓ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ પોતાની કાનૂની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. અદાલતે બાળકની અગાઉની ફરિયાદો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા માંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *