જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈ જમાલપુર નિજ મંદિરથી સવારે 8:30 વાગ્યા આસપાસ નગરચર્યાએ નીકળ્યા હતા.
જ્યારે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. ભક્તોના દ્વારે ભગવાન પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર અમદાવાદ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રેમ દરવાજા વિસ્તારમાં પ્રસાદ લેવા મામલે બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, જ્યારે ઘી કાંટા વિસ્તારમાં રથ ખેંચવા બાબતે યુવક અને ખલાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. રથયાત્રા દરમિયાન અકસ્માત, પડી જવું અને બેભાન થવા સહિતના 51 ઈમરજન્સી કેસ નોંધાયા હતા.