આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની વિપ્રો લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો પ્રથમ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 0.6% વધીને 3,352 કરોડ રૂપિયા રહ્યો.
ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને 3,330 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે, વિપ્રોની આવક એનાલિસ્ટના અંદાજ કરતાં ઓછી રહી. પરિણામોની સાથે જ કંપનીના બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર 2 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી.
આવક 10.6% વધી, પરંતુ અંદાજ કરતાં ઓછી રહી
પ્રથમ ક્વાર્ટરમાં વિપ્રોની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 10.6% વધીને 24,479 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. આમ છતાં, રોયટર્સ-LSEGના ડેટા અનુસાર, તે એનાલિસ્ટના સરેરાશ અંદાજ (24,776 કરોડ રૂપિયા) કરતાં ઓછી રહી. જો ક્વાર્ટર-દર-ક્વાર્ટર ધોરણે જોઈએ તો, કંપનીની કુલ આવકમાં 1%નો નજીવો વધારો નોંધાયો છે.
વિપ્રોના આઇટી સર્વિસિસ બિઝનેસનું રેવન્યુ 2.61 બિલિયન ડોલર રહ્યું. આ વાર્ષિક ધોરણે 1% વધુ છે, પરંતુ પાછલા ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 1.4%નો ઘટાડો થયો છે.
કોન્સ્ટન્ટ કરન્સીના સંદર્ભમાં આઇટી સર્વિસિસના રેવન્યુમાં ત્રિમાસિક ધોરણે 1.2%નો ઘટાડો અને વાર્ષિક ધોરણે 0.9%નો વધારો જોવા મળ્યો છે.