મૂળ ડીસાના અને હાલ પાલનપુર રહેતા એક યુવકને રાજકોટની કંપનીના ભેજાબાજોએ પોતાની કંપનીમાં 50% ના ભાગીદાર તરીકે રાખવાની લાલચ આપી તેમની પાસે રૂપિયા 26.50 લાખ તેમના ખાતામાં નંખાવી દર મહિને બે લાખ ફિક્સ વળતર મળવાની લાલચ આપી ડબ્બામાં ઉતારી દીધા હતા. જે બાદ નાણાં તેના અંગત ઉપયોગમાં વાપરી યુવક સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા યુવકે ચાર શખ્સ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડીસા રામનગરના વતની અને હાલ પાલનપુર સિટી સાક્ષાત સોસાયટીમાં મામાના ઘરે રહેતા ધ્રુવ કિશોરકુમાર મહેશ્વરીએ છાપામાં જાહેરાત જોઈ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભાગીદાર થવા માટે કંપનીના લખેલા નંબર ઉપર ફોન કરી વાતચીત કરી હતી અને કંપનીના ઓરિજિનલ ડોક્યુમેન્ટો મગાવી 50% નો ભાગીદાર થવા માટે ઈચ્છા દર્શાવી હતી જેથી કંપનીના ચેતનભાઇ પરમાર નામના વ્યક્તિએ પોતાની કંપનીમાં જે ભાગીદાર હતો તે છૂટો થઈ ગયો છે જેથી બીજો ભાગીદાર લેવા માટે જાહેરાત આપી હોવાનું કહી ધ્રુવ મહેશ્વરી પાસે રૂપિયા 26.50 લાખ ભરવાથી 50 ટકાનો ભાગીદાર થશે અને મહિને રૂપિયા બે લાખ જેટલું વળતર આપીશું તેવી લાલચ આપી હતી જેથી ધ્રુવ મહેશ્વરીએ કંપનીના તમામ ડોક્યુમેન્ટો મગાવી તપાસ કરતાં તેમને વિશ્વાસ આવતા તેમના દ્વારા જુદી જુદી રીતે કુલ રૂપિયા 26.50 લાખ ભાગીદાર થવા માટે આપ્યા હતા, પરંતુ બે-ચાર મહિના વીતવા છતાં વળતર ન મળતા આ બાબતે તેમને તપાસ કરાવતા તેમને કંપની ઉપર શંકા ગઈ હતી અને ત્યારબાદ તેમને ઓફિસે રૂબરૂ જઈ તપાસ કરતા તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીથી હોવાનું માલૂમ પડ્યું હતું.
જેથી આ અંગે ધ્રુવભાઈએ ચેતનભાઇ કનકભાઈ પરમાર તેમની પત્ની પૂજાબેન ચેતનભાઇ પરમાર (રહે.ગ્લોરિયસ સોસાયટી ગામ. મેટોડા તા. લોધિકા, રાજકોટ) તેમજ આશિષ વિજયભાઈ સિંઘ (રહે. પારડી, તાલુકો લોધિકા, રાજકોટ) અને અન્ય એક મળી કુલ 4 સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે.