રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ પટેલ વાડી નજીક પ્રાઈમ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં થયેલ રૂપિયા 19 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે લૂંટ કેસમાં 10 દિવસમાં ગુજરાત સહીત 7 રાજ્યોમાં તપાસ હાથ ધરી મદદગારી કરનાર બે આરોપીની ધરપકડ કરી હતી જયારે લૂંટ ચલાવનાર મુખ્ય બે આરોપી નાસ્તા ફરતા હોવાથી આજે 116 દિવસ બાદ આગ્રા ખાતેથી બન્ને આરોપીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી આગળની તપાસ અર્થે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે લૂંટ ચલાવનાર મુખ્ય આરોપીઓ શાતીર મગજના હોવાથી તેઓ પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ નુસખા અપનાવતા હતા જેમાં તેઓ ચોરાઉ વાહનમાં ખોટી નંબર પ્લેટ ઉપયોગ કરી લૂંટને અંજામ આપી હતી એટલું જ નહિ પરંતુ દિલ્લીથી રાજકોટ આવી કોઈ હોટલમાં રોકાવવા બદલે રૂમ રાખીને રહેવા પસંદ કર્યું હતું તેમજ મોબાઈલ લોકેશનથી બચવા માટે ખાસ ડ્રગ પેડલરો જે એપ્લિકેશનનો ઉપયોગ કરતા તે પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. હદ તો ત્યાં સુધી થઇ કે આરોપીઓએ ચોરી કરેલ બાઇકમાં નંબર પ્લેટ તો ખોટી લગાવી પરંતુ તેના એન્જીન નંબર અને ચેસીસ નંબર પણ ભૂંસી નાખ્યા હતા.
ગત 30 જુલાઈના રોજ સવારના સમયે થયેલ લૂંટ કેસમાં પોલીસે 10 દિવસમાં પ્રથમ બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં એક આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખની બંગાળ ખાતેથી અને પ્રવીણ ખજીઓની મથુરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે ફરાર મુખ્ય બે આરોપી આશમહમદ ઉર્ફે આંસુ ઉર્ફે આસ અયુબ કુરેશી અને વિજયકુમાર સુરેશચંદ્રની આજે 116 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે.