રાજકોટના શ્યામ પાર્ટી પ્લોટ પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢના પીઆઇ સંજય પાદરિયાએ હુમલો કર્યાની ઘટના બાદ રાજકોટ બાર એસોસિએશને ગુરૂવારે જયંતી સરધારા વકીલ હોવાથી પાદરિયાના વકીલ તરીકે કોઇએ રોકાવવું નહીં તે પ્રકારનો ઠરાવ કર્યો હતો. જેના વિરોધમાં શુક્રવારે રાજકોટ બાર એસોસિએશનને જયંતી સરધારા વકીલ નહીં પરંતુ ઉદ્યોગપતિ હોય ઠરાવ પાછો ખેંચવા રજૂઆત મળી હતી. જેના અનુસંધાને રાજકોટ બાર એસોસિએશન દ્વારા સંભવત: આજે બેઠક બોલાવીને ઠરાવ પરત ખેંચવા બાબતે નિર્ણય કરાશે તેમ જાણવા મળે છે.
બારના ઠરાવના વિરોધમાં શનિવારે 100થી વધુ વકીલો રાજકોટ બાર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિત રજૂઆત કરનાર છે અને તેમાં સરધારા ઉદ્યોગપતિ હોવાના આધાર-પુરાવા રજૂ કરવાના છે અને જયંતી સરધારા બાર એસોસિએશનના કાયમી સભ્ય હોવાના નાતે કરાયેલો ઠરાવ રદ કરવા રજૂઆત કરાશે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રજૂઆત મળ્યા બાદ બોર્ડ મિટિંગ બોલાવીને ઠરાવ રદ કરવા સંદર્ભે નિર્ણય કરાશે.