ઈરાનનું પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે વાતચીત કરવા પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે બે ઈરાની અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ પ્રતિનિધિમંડળ આજે ઈસ્લામાબાદ પહોંચી શકે છે.
જોકે, આ વાતચીત પહેલા ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે શરત મૂકી છે કે તેઓ ત્યારે જ સામેલ થશે જ્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ હાજર હોય.
જેડી વેન્સ મંગળવારે વોશિંગ્ટનથી પાકિસ્તાન જઈ શકે છે. આવી સ્થિતિમાં, ઈરાની પ્રતિનિધિમંડળની ભાગીદારી પણ તેમની મુલાકાત પર નિર્ભર માનવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી વાટાઘાટો પહેલાં ઇસ્લામાબાદની સેરેના હોટલને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી છે. આ હોટલ આ મહિનાની શરૂઆતમાં પ્રથમ રાઉન્ડની વાતચીતનું પણ સ્થળ રહી હતી.
પાકિસ્તાની અધિકારીઓ અનુસાર, વિદેશી પ્રતિનિધિમંડળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું છે કે પ્રતિનિધિમંડળ માટે ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, ઇસ્લામાબાદમાં હજારો વધારાના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.