રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા પરસાણાનગર વિસ્તારમાં મૂળ બિહારના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. કારખાનામાં રજા હોવાથી દિવસ દરમિયાન પત્ની અને બે માસૂમ સંતાનોને બહાર ફરવા લઈ ગયેલા યુવકે રાત્રે ઘરે પરત ફર્યા બાદ અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં જ ભક્તિનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પરસાણાનગરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું મળતી વિગતો અનુસાર, પરસાણાનગર શેરી નંબર 9 માં બાબા પાન પાસે રહેતા અને મૂળ બિહારના વતની જીત્તુબીંદ ચેક્તુબીંદ (ઉં.વ. 31) એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તુરંત 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108 ના તબીબે તપાસીને યુવકને મૃત જાહેર કરતાં ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકને વાકેફ કરવામાં આવ્યું હતું.
પત્ની અને બાળકો સાથે બહાર જઈ આવ્યા બાદ પગલું ભર્યું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક જીત્તુબીંદ સ્થાનિક કારખાનામાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કારખાનામાં રજાનો દિવસ હોવાથી તે ગત રાત્રે પોતાની પત્ની અને બંને બાળકોને બહાર ખુશી-ખુશી ફરવા લઈ ગયો હતો. બહારથી પરત ફર્યા બાદ કોઈ અણધાર્યા કારણોસર તેણે ઘરમાં ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
ભક્તિનગર પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ તેજ કરી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુખી-સંપન્ન રીતે પરિવાર સાથે બહાર ગયેલા યુવાને ઘરે આવતાં જ કયા માનસિક તણાવ કે કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસ પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધી ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.