રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 ઓક્ટોબરના વિજયા દશમીના દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ઉંચા રાવણનું દહન કરવામાં આવશે અને 50- 50 ફૂટના કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પૂતળાનું પણ દહન થશે. આ વખતે ધર્માન્તરણ, લવ જેહાદ અને કુસંસ્કારોના પૂતળાનું દહન કરવામાં આવનાર છે જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
છેલ્લા 40 વર્ષથી રાવણ દહનનું આ આયોજન
રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી પરેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 40 વર્ષથી રાવણ દહનનું આ આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અશોકજી સિંઘલનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. અશોકજીએ ધર્માન્તરણની વિરુદ્ધમાં ખૂબ જ કામ કરેલું હતું તો આપણે આ વખતે જે ત્રણ પૂતળા છે એમાંથી એક ધર્માન્તરણનું પૂતળું છે. એક લવ જેહાદનું પૂતળું છે અને એક કુસંસ્કારોનું પૂતળું છે. આ ત્રણેય પૂતળાનું આપણે દહન કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ વખતે સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન થવાનું છે અને તેની સાથે 50-50 ફૂટના કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પૂતળાનું પણ દહન થશે. આ વખતે રાવણ દહન દરમિયાન બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક કિશનજી પ્રજાપત આવવાના છે. જેઓ એક તેજાબી વક્તા છે અને રાજકોટને એનો પૂરેપૂરો લાભ મળવાનો છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં નિહાળવા હાર્દિક આમંત્રણ છે.