રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત્ રહેવા પામી છે, ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ મોડી સાંજે આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.
પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ એટલે કે 30 અને 31 મે તેમજ 1 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6°C વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7°C વધુ હતું.