MCDએ મંગળવારે સત્ય નિકેતનમાં દુર્ઘટનાગ્રસ્ત ઇમારતને અડીને આવેલી બિલ્ડિંગને નિયંત્રિત રીતે તોડવાનું શરૂ કર્યું છે. MCD અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગને ‘ખતરનાક’ જાહેર કરવામાં આવી હતી.
મંગળવાર સાંજ સુધી તોડવાનું કામ રોકી દેવામાં આવ્યું. તેને બુધવારે સવારે ફરી શરૂ કરવામાં આવશે. બિલ્ડિંગમાં વિદ્યાર્થીનીઓ માટે પીજી ચાલી રહ્યું હતું. પડોશી ઇમારત ધરાશાયી થયા બાદ તેને ખાલી કરાવવામાં આવી હતી.
સત્ય નિકેતનમાં રવિવારે ધરાશાયી થયેલી ઇમારતમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા.
બીજી બાજુ, ઇમારત ધરાશાયી થવાના કેસમાં લેબર કોન્ટ્રાક્ટરને ઉત્તર પ્રદેશના કાસગંજથી પકડવામાં આવ્યો છે. આ કેસમાં ચોથી ધરપકડ છે.
આ પહેલા પીજીના માલિક હરિરામ, તેમની પત્ની ઉર્મિલા અને પુત્ર મહેશની પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.
સોમવારે રાત્રે આ ત્રણેયને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ભવ્ય ખરાલે હરિરામ અને ઉર્મિલાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, જ્યારે મહેશને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.