શહેરમાં મહિલાઓને ઠંડાપીણામાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવનાર દંપતીએ તરખાટ મચાવ્યો હતો, ટૂંકાગાળામાં અનેક મહિલાઓને લૂંટ્યા હતા જેમાં ચાર ગુના પોલીસ દફતરે નોંધાયા હતા, અંતે પોલીસે આરોપી પ્રૌઢ દંપતીને ઝડપી લીધું હતું.
મવડી કણકોટ રોડ પરના લાલુભાઇ ટાઉનશિપમાં રહેતા પુષ્પાબેન લાલજીભાઇ નકુમ (ઉ.વ.62) ગત તા.14ના બપોરે દવા લેવા જવા નીકળ્યા હતા અને સાવન ચોક પાસે બેઠેલા બે વૃદ્ધને નજીકમાં કોઇ સરકારી દવાખાનું છે તેમ પૂછ્યું હતું, બંને વૃદ્ધે પોતે અજાણ હોવાનું કહેતા પુષ્પાબેન આગળ ચાલતા થયા હતા તે સાથે જ એક મહિલા તેમની પાસે આવી હતી અને ચાલો તમને દવાખાને લઇ જાવ તેમ કહેતા પુષ્પાબેન તે મહિલાની પાછળ ચાલવા લાગ્યા હતા, મહિલા સાથે એક પુરૂષ પણ હતો તે બાઇક ચલાવતો હતો, થોડે આગળ જઇને મહિલાએ ચા પીવડાવી હતી અને ચા પીધા બાદ પુષ્પાબેનનું માથું ભારે થઇ ગયું હતું, મહિલા ચલાવીને પુષ્પાબેનને કણકોટ ડ્રીમસિટી ચોક નજીક લઇ ગઇ હતી ત્યાં પુષ્પાબેનને સોડા પીવડાવી હતી અને સોડા પીધા બાદ પુષ્પાબેન અર્ધબેભાન જેવા થઇ ગયા હતા તે સાથે જ મહિલા અને પુરૂષે પુષ્પાબેને પહેરેલી સોનાની બૂટી, સોનાના દાણો અને રોકડા રૂ.400 લૂંટી લીધા હતા, પુષ્પાબેને પ્રતિકારનો પ્રયાસ કરતા મહિલાએ તેમને ફડાકા ઝીંકી દીધા હતા જેથી વૃદ્ધા બેભાન થઇ ગયા હતા ને બીજા દિવસે ભાનમાં આવ્યા હતા.
આવો જ બીજો બનાવ તા.13ના બન્યો હતો. મોચીબજાર તિલક પ્લોટમાં રહેતા જાનાબેન હરીભાઇ ખીમસુરિયા (ઉ.વ.65) જ્યુબિલી શાકમાર્કેટે બકાલુ લઇને ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે એક પ્રૌઢા તેમની પાસે આવી હતી અને તું મારી દીકરી છો તને ઠંડું પીવડાવવું છે તેમ કહી લચ્છી અને ગુલાબ સરબત પીવડાવ્યું હતું, ઠંડું પીધા બાદ જાનાબેન બેભાન થઇ જતાં પ્રૌઢાએ જાનાબેને પહેરેલા સોનાના બે બુટિયા, પાકીટમાં રાખેલી બે બૂટી અને રોકડા રૂ.500 સહિત કુલ રૂ.80,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જાનાબેન પણ બેભાન થયા કે નહીં તે ચેક કરવા પ્રૌઢાએ જાનાબેનને ફડાકા માર્યા હતા.