જોધપુરમાં ડ્રગ્સ સાથે સુરેન્દ્રનગરનો આરોપી ઝડપાયો ને મુદ્દસરનો ખેલ ખતમ

અમદાવાદના સરખેજના મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી NCBએ ઝડપી હતી. આ ડ્રગ્સ ફેક્ટરી ઝડપાવાથી અનેક ખુલાસા થયા છે. આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી અગાઉ સ્પા સેન્ટર અને અનેક જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું. અગાઉ રાજસ્થાનના જોધપુરથી ડ્રગ્સ ઝડપાયું હતું. જે ડ્રગ્સ કેસ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મુદ્દસરનું નામ સામે આવતા NCB એક મહિનાથી મુદ્દસરની વોચ રાખી અને અંતે ડ્રગ્સ સાથે ઝડપવામાં આવ્યો હતો.

અમદાવાદ, વડોદરા, નડિયાદમાં સ્પામાં ડ્રગ્સ સપ્લાય કરાતું
નવરાત્રિ પહેલાં NCBની જોધપુર ટીમે રાજસ્થાનથી MD ડ્રગ્સ લઈ સુરેન્દ્રનગર આવી રહેલા ત્રણ પેડલરને ઝડપી પાડ્યા હતા. NCBની ટીમે સુરેન્દ્રનગરના મુખ્ય ડ્રગ્સ સપ્લાયર ગોપાલ સેલાભાઈ તેમજ બાડમેરના અશોકકુમાર આચાર્ય અને હનુમાન રામની ધરપકડ કરી હતી. ગોપાલની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તે અમદાવાદ, નડિયાદ, ખેડા, આણંદ અને વડોદરામાં ચાલતાં કેટલાંક બોડી મસાજ તથા સ્પા સેન્ટરના માધ્યમથી યુવતીઓ મારફતે ગ્રાહકો સુધી MD ડ્રગ્સ પહોંચાડતો હોવાની વિગતો બહાર આવી હતી. આ નેટવર્કમાં અમદાવાદના પોશ વિસ્તારોમાં ચાલતાં સ્પા અને બોડી મસાજ સેન્ટરો ઉપરાંત ખેડા અને વડોદરા જિલ્લાના કેટલાંક સેન્ટરો પણ તપાસના દાયરામાં આવ્યાં છે.

રાજસ્થાન, એપી, યૂપીના માફિયાઓની સંડોવણી
આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડવા ક્યા પેડલરોનો ઉપયોગ થતો હતો તે અંગે NCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન મુદ્દસર પઠાણ અંગેની પણ મહત્ત્વપૂર્ણ વિગતો મળી હતી. સરખેજના બંગલાના ભોયરામાંથી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આ લેબોરેટરી સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં રાજસ્થાનના પ્રતાપગઢના ત્રણ ડ્રગ્સ માફિયાના નામ પણ બહાર આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *