જસદણ નગરપાલિકામાં મહિલા સદસ્યના પતિદેવો અડિંગો જમાવી સંચાલન કરતા હોવાની લેખિત રાવ બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી દ્વારા પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને કરતા રાજકારણ ગરમાયુ છે અને તેમની સામે એક્ટ 1963 તળે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. પાલિકામાં મહિલા સદસ્યોના પતિદેવો અડીંગો જમાવી ને બેસતા હોય અને પોતે જ સદસ્ય વતી તમામ વહીવટ કરતા હોવાની લૅખીત ફરિયાદ ચીફ ઓફિસર અને પ્રમુખને પાલિકાના જ બાંધકામ સમિતિના અધ્યક્ષ સોનલબેન વસાણી દ્વારા કરવામાં આવતા રાજકીય ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
વધુમાં સોનલબેન વસાણીએ લેખિતમાં જણાવ્યું છે કે હું માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણી પાલિકામાં બાંધકામ સમિતિના ચેરમેનનો હોદો ધરાવું છું. હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા દરેક ક્ષેત્રમાં મહિલા અનામત જાહેર કરી દરેક કાર્યમાં મહિલાઓને અગ્રેસર રાખવા પર ભાર મૂકવામાં આવેલ છે. તેમની આ વિચારસરણીને અનુસરીને જસદણ નગરપાલિકામાં પણ દરેક વોર્ડમાં મહિલા સભ્યોની નિમણૂંક થયેલ છે.
પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે કે નગરપાલિકા કચેરીમાં સભ્ય તરીકે નિમણુંક થયેલ મહિલાઓને બદલે તે મહિલા સદસ્યના પતિઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેઓ દ્વારા પોતાના માટે અલગથી સ્પેશિયલ ટેબલની માંગણી કરી મુકાવી દરરોજ કચેરી ટાઈમે આ ટેબલ પર બેસવામાં આવે છે. જેથી કર્મચારીઓની કામગીરીમાં વિક્ષેપ પડે છે અને તેમના દ્વારા કર્મચારીઓ પાસે કામગીરી કરાવતા હોવાનું પણ અમોને જણાવાયું છે. જેથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અમારી નમ અરજ છે. તેમજ પદાધિકારી સિવાયના બિનઅધિકૃત વ્યકિતઓ / પ્રતિનિધીઓ પાલિકા કચેરીમાં અડિંગો જમાવીને ટેબલ ખુરશીઓનો ઉપયોગ કરતા હોય, તેમની સામે ગુજરાત મ્યુનિસિપલ એકટ 1963ની જોગવાઈઓ તળે આપના સ્તરેથી જરૂરી કાર્યવાહી કરવા અંતમાં જણાવ્યું છે.