ગોંડલના આઈકોનિક રોડ પર યોજાયેલા લોકમેળામાં 9 સપ્ટેમ્બરની મોડી રાત્રે છરીબાજીની ગંભીર ઘટના બની હતી. મેળામાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા યુવકો પર અજાણ્યા શખ્સે અચાનક છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સુડૌર ગામના વતની અને હાલ ગોંડલમાં રહેતા 25 વર્ષીય રમાશંકર કમલપ્રસાદ બર્મનનું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશના અલ્હાબાદના રહેવાસી 28 વર્ષીય વિશાલ નરેન્દ્રભાઈ શર્માને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
લોહીલુહાણ હાલતમાં પડેલા વિશાલને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જયભાઈ માધડે તાત્કાલિક પોતાના એક્ટિવા પર ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, રમાશંકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
SP સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બનાવની જાણ થતાં ગોંડલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા SP વિજયસિંહ ગુર્જર અને ગોંડલ DYSP કે.જી. ઝાલા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.