ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની રાહ જોવાય રહી છે, ત્યારે નવસારી શહેરમાં 9 જૂને દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. લગભગ 10 મિનિટ સુધી હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી.
જ્યારે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય અકળામણનો પ્રકોપ યથાવત્ છે. સામાન્ય વરસાદ બાદ તપામાનમાં વધારો થતાં અને હવાના ભેજને કારણે હાલમાં ભારે બફારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાયું છે. આજે રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું.
દિવસભરની ગરમી બાદ રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને લગભગ 10 મિનિટ સુધી હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા આ વરસાદના કારણે અસહ્ય ઉકળાટ દૂર થયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. રાત્રિના સમયે ઠંડા પવન ફૂંકાતા શહેરીજનોએ ગરમીથી મોટી રાહત અનુભવી છે. હવામાન વિભાગના મતે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે સક્રિય થઈ શકે છે.