રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોને પેનલ્ટીનો પ્રશ્ન તાજેતરમાં ઉકેલાયા બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હાઇકોર્ટના આદેશના પગલે તમામ કોલેજોને એડમિશન માટે લીલીઝંડી આપી દીધી હતી ત્યારે હવે વન પ્લસ એઇટનો મુદ્દો આગામી સુનાવણીમાં હાઇકોર્ટના ધ્યાને મૂકવા ગ્રાન્ટેડ લો કોલેજોના સત્તામંડળો દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.
જેમાં યુજીસીના ગાઇડલાઇન બહારના નિયમો ઘડી સરકાર ભરતી પ્રક્રિયા કરી રહી હોવાથી પ્રિન્સિપાલો મળતા ન હોવાની રજૂઆત કોલેજોના વકીલ દ્વારા કરવામાં આવશે.
કોલેજો મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજોમાં ભરતી પ્રક્રિયા કરી હતી અને તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અધ્યાપકોની પ્રિન્સિપાલ તરીકે ભરતી કરી હતી.
આ પ્રક્રિયામાં શિક્ષણ વિભાગે આઇટી રિટર્ન માગ્યા ન હતા. ત્યારબાદ સાયન્સ, કોમર્સ, એજ્યુકેશન, આર્ટસ, લો સહિતની 135 જેટલી ગ્રાન્ટેડ લો કોલેજમાં ભરતી પ્રક્રિયા દોઢ વર્ષ પહેલાં શરૂ કરી હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગે યુજીસીની ગાઇડલાઇન મુજબ ભરતીના નિયમો ઘડ્યા હતા.
ત્યારબાદ અચાનક યુજીસીની ગાઇડલાઇન બહાર જઇને આઇટી રિટર્ન ફરજિયાતનો નવો નિયમ ઉમેર્યો હતો. ગ્રાન્ટેડ લો કોલેજોમાં ભરતીમાં આ નિયમ નડતરરૂપ બનતા તેનો વિરોધ ઉઠ્યો છે. યુજીસીના નિયમ મુજબ પ્રિન્સિપાલ માટે રૂ.9 હજારનો ગ્રેડ પે, 15 વર્ષનો અનુભવ અને પીએચ.ડી ગાઇડ તરીકેનો અનુભવ જરૂરી છે અને તેમાં આઇટી રિટર્નની કોઇ જોગવાઇ નથી.