ગોંડલ-રાજકોટ હાઇવે પર રીબડા પાસે અલ્ટો કારમાં અચાનક આગ ભભૂકી

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ગત રાત્રિના સમયે એક ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. રીબડા ચોકડીથી શાપર વચ્ચે રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે એક મારુતિ અલ્ટો કાર GJ 03 DG 9406) સળગી ઊઠી હતી. સદનસીબે, સમયસૂચકતા વાપરીને કારમાં સવાર ચાલક સહિતના લોકો તુરંત જ બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી.

આ મારુતિ અલ્ટો કાર રાજકોટ તરફ જઈ રહી હતી. તે દરમિયાન રીબડા અને શાપર વચ્ચે પહોંચતા અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ધુમાડા જોતા જ સતર્ક થયેલા ચાલકે તાત્કાલિક કારને હાઇવેની સાઈડમાં થોભાવી દીધી હતી. પરંતુ, લોકો બહાર નીકળે અને કંઈ સમજે તે પહેલા જ એટલી વારમાં ધુમાડાએ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પલભરમાં જ આખી કાર ભસ્મીભૂત થઈ જવા પામી હતી.

આ ઘટનાની જાણ ગોંડલ ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી અને માત્ર તેનું માળખું (બોડી) જ બચવા પામ્યું હતું.

હાઇવે પર ચાલુ કાર સળગવાની આ ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યા બાદ ટ્રાફિક ક્લિયર કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. વાહનમાં ક્યા કારણોસર આગ લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *