ગોંડલ મેળામાં સુરક્ષા નિયમો પાલન કરવા કોંગ્રેસની રજૂઆત

ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ જન્માષ્ટમીના તહેવારોમાં યોજાનાર લોકમેળામાં સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત ગોંડલ શહેરમાં નગરપાલિકા સંચાલિત અને ખાનગી લોકમેળાના આયોજન સંદર્ભે કરવામાં આવી છે.

રજૂઆતમાં સંગ્રામજી સ્કૂલના ગ્રાઉન્ડમાં નગરપાલિકા દ્વારા આયોજિત મેળા અને વઘેરાના વાડામાં યોજાનાર ખાનગી મેળા એમ બંને લોકમેળાનો ઉલ્લેખ કરાયો છે.

પત્રમાં ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રૂલ્સ 2024 હેઠળના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નિયમો હેઠળ લાયસન્સ લેવું ફરજિયાત હોવાનું પણ જણાવાયું છે.

કોંગ્રેસ પ્રમુખે થોડા વર્ષો પહેલા સંગ્રામજી ગ્રાઉન્ડના લોકમેળામાં બનેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બે નવયુવાનોના મૃત્યુ થયા હતા. આ ઘટનાની ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ છે. રજૂઆતમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો નિયમોમાં કોઈ બાંધછોડ થશે અને ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પરવાનગી આપનાર વિભાગની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *