ગોંડલ પાલિકાના 62 કર્મચારીઓને કાયમી ન કરાતાં હાઈકોર્ટની લાલ આંખ

ગોંડલ નગરપાલિકામાં પ્રોબેશન પગારમાં ફરજ બજાવતા 62 કર્મચારીઓને કાયમી કરવાનો અને તેમના કાયમી કર્મચારી તરીકેના બાકી નીકળતા નાણાં ચૂકવવાનો હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં આ ઓર્ડરનું પાલન ન કરાતાં ગુજરાત હાઈકોર્ટે અદાલતની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) મામલે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની બેન્ચ સમક્ષ કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ 24 સપ્ટેમ્બર 2026ના રોજ હાઈકોર્ટે અરજદાર સ્વ. હરેશ બોરીસાગરના વારસદારોની અરજી અન્વયે ચાર અઠવાડિયાની અંદર કાયમી કરીને નાણાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તંત્ર દ્વારા સમયમર્યાદા પૂર્ણ થવા છતાં ચૂકવણી ન કરાતાં કોર્ટે તંત્રની ઢીલી નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

સુનાવણી વેળાએ નગરપાલિકાના વકીલે રકમ ચૂકવવામાં ન આવી હોવાની બાબત સ્વીકારી હતી અને પ્રક્રિયા ચાલુ હોવાનો બચાવ કર્યો હતો. જોકે, અદાલતે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળાને આગામી 6 નવેમ્બર 2026ના રોજ સવારે 11:00 વાગ્યે કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા તાકીદ કરી છે, જેથી તેમની સામે આરોપ ઘડીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય. રજિસ્ટ્રીને પણ આ આદેશની જાણ તાત્કાલિક ચીફ ઓફિસરને કરવા નિર્દેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *