ગોંડલ તાલુકા શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની સામાન્ય ચૂંટણી તાજેતરમાં ગોંડલ સ્થિત રાજપૂત સમાજ ભવન ખાતે યોજાઈ હતી. આ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં ૯૧ ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું.
ચૂંટણીનાં પરિણામોમાં ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત ‘ઉગતા સૂરજ પેનલ’ના ૧૫માંથી ૧૪ ઉમેદવારો વિજયી બન્યા હતા.મતદારોએ પોતાના અમૂલ્ય મત દ્વારા પેનલ પ્રત્યે જે વિશ્વાસ, સ્નેહ અને સહકાર વ્યક્ત કર્યો છે, તે બદલ સૌને નતમસ્તક વંદન કરવામાં આવ્યાં છે.
આ ચૂંટણીમાં નોંધાયેલું ૯૧ ટકા મતદાન શિક્ષક સમાજની લોકશાહી પ્રક્રિયા પ્રત્યેની જાગૃતિ અને સહભાગિતાને દર્શાવે છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક મતદારો, શુભેચ્છકો, કાર્યકરો અને સમર્થકોના સહયોગથી આ સફળતા પ્રાપ્ત થઈ હતી.
ચૂંટણી બાદ મંડળીના હોદ્દેદારો તરીકે નીચે મુજબ સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે: પ્રમુખ: જીગ્નેશભાઈ રૈયાણી, ઉપપ્રમુખ: સારથીભાઈ દેકીવાડિયા , મંત્રી: મનીષભાઈ ભાલાળા. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
તેમના સહિયારા પ્રયાસોથી મંડળીનો વહીવટ વધુ સુદૃઢ બને, સભાસદોના હિતોનું રક્ષણ થાય અને મંડળીના વિકાસને નવી દિશા મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષ દરમિયાન મંડળીના સર્વાંગી વિકાસ, સભાસદોના હિતોનું રક્ષણ, પારદર્શક અને જવાબદાર વહીવટ, નાણાકીય વ્યવસ્થામાં કાર્યક્ષમતા તથા સભાસદોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે.