માધાપરમાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

રાજકોટના માધાપરમાં એક મહિલાએ કોઈ કારણોથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે અન્ય બનાવમાં રૂ.1.50 લાખના ચોરાઉ સોનાની ચેઇન સાથે માતા અને પુત્રી ઝડપાઈ છે. જેમાં માતા વિરુદ્ધમાં 13 તો પુત્રીના નામે 2 ગુના નોંધાઈ ચૂક્યા છે.

મહિલાના લગ્નને 10 વર્ષ થયા હતાં
માધાપર ગામમાં ઉમીયાનગર ખીજડાવાળી શેરીમાં રહેતા 30 વર્ષીય સોનુબેન કનુભાઈ ટોયટાએ કોઈ અગમ્ય કારણોસર લોખંડના એંગલ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મરણ જનાર સોનુબેનનાં લગ્નને 10 વર્ષ થયા હતા અને તેમને કોઈ સંતાન ન હતું. આ બનાવની 112 નંબર પર ફોન કરીને જાણ કરવામાં કરી હતી. જે બાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં તપાસ કરતાં સોનુબેન મૃત જાહેર થયા હતા. આ અંગે યુનિવર્સિટી
પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.

દોઢ લાખના સોનાના ચેઇનની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 1.50 લાખના ચોરાઉ સોનાના ચેન સાથે 2 મહિલાને ઝડપી પાડી છે. જેમાં એક વિરુદ્ધ 13 તો અન્યના નામે અગાઉ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના એક સોનાના ચેન સાથે બે મહિલાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 42 વર્ષીય નિકિતાબેન અલ્પેશભાઈ સાવલીયા અને તેની 23 વર્ષીય પુત્રી વૈશાલીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આરોપી નિકિતાબેન વિરુદ્ધ રાજકોટ શહેર, ગીર સોમનાથ, સુરત અને બોટાદ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 13 જેટલા ગંભીર ગુનાઓ (ચોરી, જુગાર, પ્રોહીબિશન અને BNS કલમો હેઠળ) નોંધાયેલા છે. જ્યારે આરોપી વૈશાલી વિરુદ્ધ ગીર સોમનાથ અને સુરત ખાતે અગાઉ 2 ગુનાઓ નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *