ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશનના હિસાબ મામલે થયેલા વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો કરવાના કેસમાં પોલીસે કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ બનાવ બાદ નાકાબંધી તોડીને દીવ ભાગી ગયા હતા, જ્યાંથી ગોંડલ એલ.સી.બી. અને પોલીસની સંયુક્ત ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
ઉઘરાણી કરવા ગયેલા યુવાન સાથે મારામારી ગોંડલ ભોજરાજપરા શેરી નં. 13/10માં રહેતા અને કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા 31 વર્ષીય અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ ભુવાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમણે ‘અયાન ટ્રેડિંગ કંપની’ પેઢીમાંથી રૂ.15,07,000નું આર.ટી.જી.એસ. કરાવ્યું હતું. જોકે, નક્કી થયેલું કમિશન અને રકમ પરત ન મળતાં વિવાદ સર્જાયો હતો
ગત 6 સપ્ટેમ્બરની રાત્રે ફરિયાદી કમિશનની રકમની ઉઘરાણી કરવા ગોંડલ-જેતપુર રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન આરોપી અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ સોરઠીયા અને હરેશભાઈ વિઠ્ઠલભાઈ સોરઠીયા ઉશ્કેરાઈ ગયા હતા. બંનેએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ગાડીમાંથી હથિયાર કાઢી માથાના ભાગે જીવલેણ ઘા માર્યો હોવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. બનાવને પગલે પોલીસે BNSની કલમ 351(3), 115(2), 266, 45 તથા જી.પી. એક્ટની કલમ 135 અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
નાકાબંધી તોડીને દીવ ભાગી ગયેલા બંને આરોપીઓને પોલીસ ટીમે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરની થાર ગાડી કબજે કરી છે. જે સ્થળેથી હથિયાર કાઢીને હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં મુખ્ય આરોપી અભી સોરઠીયાને સાથે રાખીને પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
અન્ય નાણાકીય ગેરરીતિ અંગે પણ તપાસ રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની વિગતો મેળવી હતી. દરમિયાન પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા અન્ય લોકો સાથે પણ નાણાકીય બાબતોમાં ગેરરીતિ અથવા છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતા સામે આવતા પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે.