ગોંડલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

રાજકોટ ગ્રામ્ય એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) પોલીસે ગોંડલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સંચાલકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુના નોંધ્યા છે.

પોલીસની ટીમે બાતમીના આધારે ગોંડલના શ્યામ વાડી ચોક, પૂજન-2, સેકન્ડ ફ્લોર પર આવેલા ‘ધ ઇમ્પીરીયલ વેલનેસ સ્પા’ પર દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સ્પાના મેનેજર જગદીશ રામજી રાઠોડ અને માલિક સરીતા લામા બોડી ટ્રીટમેન્ટની આડમાં કુટણખાનુ ચલાવી રહ્યા છે. તેઓ ગ્રાહકો પાસેથી રોકડ રકમ લઈ કમિશન મેળવી શારીરિક સુખ માણવા માટેની સુવિધાઓ પૂરી પાડતા હતા. પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ (IMPA) 1956ની કલમ 3(1), 4(1), 5(1)(એ) અને 5(1)(ડી) હેઠળ ગુનો નોંધ્યો છે.

આ જ સ્પા સેન્ટરમાંથી પોલીસને પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. જેમાં વિસ્કીની 750 એમ.એલ.ની બે શીલબંધ બોટલનો સમાવેશ થાય છે. કુલ રૂ. 29,016/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે મેનેજર જગદીશ રાઠોડ અને કેયુર પરેશ રામોલીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એઇ), 115(બી), 81 મુજબ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, પોલીસે ગોંડલના ઉદ્યોગનગર નાકા સામે આવેલા પુંજન કોમ્પ્લેક્સમાં ‘આલિશાન ફેમિલી સ્પા એન્ડ બ્યુટી પાર્લર’ અને સ્ટેશન પ્લોટ રેલીંગ રોડ પર આવેલા ‘આલિશાન સ્પા’ માં પણ તપાસ હાથ ધરી હતી.

આ બંને સ્પા સેન્ટરોમાં કામ કરતી પરપ્રાંતીય મહિલાઓ/કામદારોના નામનું લિસ્ટ તેમજ સ્પામાં ચાલતી પ્રવૃત્તિઓ અંગેની કોઈ પણ પ્રકારની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવ્યા વગર સેન્ટર ચલાવવામાં આવી રહ્યા હતા.

રાજકોટ ગ્રામ્ય જિલ્લા કલેક્ટરના જાહેરનામા હુકમ (શ્રમિક-લેબર/પોલીસ વેરિફિકેશન) નો ભંગ કરવા બદલ સ્પા સંચાલક સરીતા લામા, રમેશ પંચા રાઠોડ અને આશિષ જયંતિ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *