ગોંડલમાં ફરી વાર કાયદો-વ્યવસ્થાના લીરેલીરા

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં ગત બુધવારે મોડી રાત્રે બનેલી એક હૃદયકંપાવનારી મારામારીની ઘટના હવે હત્યામાં પલટાઈ ગઈ છે. દારૂના નશામાં ધુત એક શખ્સે તેના સાગરીતો સાથે મળીને કાકા-ભત્રીજી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 45 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેમની 16 વર્ષની ભત્રીજી ઇજાગ્રસ્ત થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભગવતપરા વિસ્તારમાં આવેલા કોળી વાસમાં રહેતા શેખ પરિવાર પર 20 મે 2026, બુધવારની મોડી રાત્રે આ હુમલો થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે અત્યંત ક્રૂરતાપૂર્વક માત્ર દોઢ મિનિટના ટૂંકા ગાળામાં 45 વર્ષીય નિલેશભાઈ શેખ પર લાકડીના એક પછી એક 16 જેટલા ઘા ઝીંકી દીધા હતા, આ ઉપરાંત છરાના પણ 3 ઘા માર્યા હતા. ત્યારબાદ હુમલાખોરો થોડે દૂર મૃતકના નાના ભાઈ જયેશ શેખના ઘરે તેને પણ મારવા ગયા હતા, જ્યાં તેની 16 વર્ષીય ભત્રીજી ધર્મિષ્ઠા શેખ પર પણ હુમલો કર્યો હતો

ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં નિલેશભાઈ શેખને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સ્થિતિ અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. આ મોતના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *