પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને યોગ્ય સારવાર મળે તે માટે વિશ્વભરના ક્રિકેટરો આગળ આવ્યા છે. સુનીલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સરકારને પત્ર લખીને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનને યોગ્ય તબીબી સારવાર આપવાની માંગ કરી છે.
23 ઓગસ્ટે લખાયેલા પત્રમાં માંગ કરવામાં આવી હતી કે ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇમરાનની મેડિકલ તપાસ કરવામાં આવે. પત્ર લખનારાઓમાં ભારતના 3, ઓસ્ટ્રેલિયાના 8, ઇંગ્લેન્ડના 6, વેસ્ટ ઇન્ડિઝ-શ્રીલંકાના 1-1 અને ન્યુઝીલેન્ડના 2 પૂર્વ કેપ્ટન સામેલ છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે- ‘છ મહિના પહેલા 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટન્સે તમને અને પાકિસ્તાન સરકારને ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર અને યોગ્ય તબીબી સારવાર માટે અપીલ કરી હતી. અમે ત્યારે રાજકારણીઓ તરીકે નહીં, પરંતુ પૂર્વ સાથીઓ તરીકે લખ્યું હતું. તેમણે કહ્યું- ક્રિકેટ મેદાન પર બનેલો આ સંબંધ તે સીમાઓ અને મતભેદોથી ઉપર છે, જે ઘણીવાર દેશોને વિભાજિત કરે છે. હવે અમે ફરીથી લખી રહ્યા છીએ અને આ વખતે 7 અન્ય પૂર્વ કેપ્ટનો પણ અમારી સાથે છે.