અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતાં આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો હતો અને રાજુલા-સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડા ધરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા પાંચ દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે દર-દર ભટકી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1-1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત્ આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે.
બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવા છતાં ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલી હાલાકી છતાં પંપ ચાલકો દ્વારા માત્ર 2-2 હજાર રૂપિયાનું મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતોની નારાજગી ચરમસીમાએ પહોંચી છે.