કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીના જંતર-મંતર પર આજે પ્રદર્શનની જાહેરાત કરી છે. પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રોકવાની માગણી કરી રહી છે.
જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી નથી. CJP એ 7 ઓક્ટોબરે પ્રદર્શનની જાણકારી આપી હતી, જ્યારે નિયમો અનુસાર 10 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે.
પ્રદર્શનને જોતા જંતર-મંતર, કનોટ પ્લેસ અને જનપથ રોડ સમેત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આશરે 38 હજાર સુરક્ષાકર્મીઓ તેનાત કરવામાં આવ્યા છે, જેમાં BSFના જવાનો પણ સામેલ છે.
નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવનારી 250 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો આજે કેન્સલ રહેશે. 45 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે જ્યારે 10 ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ, ઇન્ડિયા ગેટના આસપાસના 4km ના વિસ્તારમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી આજે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે.
ચૂંટણી પંચે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પર કહ્યું હતું કે સભ્યોના અલગ-અલગ મત અને સૂચનો કોઈપણ સંસ્થાની નિર્ણય પ્રક્રિયાનો સામાન્ય હિસ્સો છે. પંચ અનુસાર, છેલ્લા એક વર્ષમાં SIR સહિતના તમામ મોટા નિર્ણયો અને નિર્દેશો સમગ્ર કમિશનની સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.
અહેવાલ સામે આવ્યા બાદ SIRની પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરીને લઈને રાજકીય વિવાદ વધ્યો. વિપક્ષી પક્ષો અને CJP તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આ જ મામલે અદાલતમાં પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.