કોઈ ભૂખ્યું ન સૂવે તે વિચારથી વેપારીએ રૂ.20માં ભોજનાલય શરૂ કર્યું

રાજકોટમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદગુરુ સંસ્થા દ્વારા રૈયા ચોકડી નજીક જીવનનગર-3માં ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. આ ભોજનાલયની એક વિશિષ્ટતા એ છે કે, અહીં માત્ર 20 રૂપિયામાં લોકોને બપોરનું ભરપેટ ભોજન જમાડવામાં આવે છે. કોઈ ફંડ ફાળો ઉઘરાવ્યા વગર ભોજનાલયમાં માત્ર અન્નદાન સ્વીકારાય છે.

દરરોજ 350થી વધુ લોકો ભોજન લે છે. આ ભોજનાલયની શુભ શરૂઆત 23 જૂનના રોજ થયેલી છે. અહીં ભોજન માટેનો સમય સવારે 11થી 2 કલાક સુધીનો છે. ભોજનમાં દરરોજ દાળ-ભાત, શાક-રોટલી અને અથાણું પીરસવામાં આવે છે. શ્રમિકોથી માંડીને નોકરિયાત વર્ગ પણ અહીં ભોજન કરે છે.

રૈયા સર્કલથી નજીકમાં આવેલી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના કર્મચારી અને કારખાનાના શ્રમિકોને આ સેવા થકી રોજિંદા જીવનમાં અનુભવાતી મોટી મુશ્કેલીમાં રાહત મળી છે.

જે વિદ્યાર્થીઓ-નોકરિયાતોના ઘર દૂર આવેલા હોય તેઓને આ સેવાથી ઘણો ફાયદો થાય છે. માત્ર 20 રૂપિયાના દરે ભોજનાલયમાં લોકોને સાત્વિક આહાર પીરસવામાં આવે છે. અહીં લોકોને ભોજન કરતી વખતે અગવડ ન પડે તે માટે વ્યવસ્થાપકો દ્વારા યોગ્ય બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રૈયા ચોકડીથી નજીકમાં રહેતા નોકરિયાત વર્ગના લોકો અને વિદ્યાર્થીઓ પણ નિઃસંકોચ ભોજનાલયમાં ભોજન કરી શકે અને તેમના મનમાં એવો વિચાર ન જન્મે કે, તેઓએ કોઈ અન્નક્ષેત્રમાં ભોજન કર્યું છે કે કોઈ ફ્રી સેવાનો લાભ ઉઠાવ્યો છે. તેઓ પણ સન્માન અને સ્વાભિમાન સાથે અહીં ભોજન કરી શકે તે આશય સાથે ભોજનનો રૂ.20નો ટોકન દર રાખવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *