ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે આવેલી કન્યા શાળા, કુમાર શાળા અને માધ્યમિક શાળા દ્વારા સંયુક્ત રીતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ શાળાના શિક્ષિકા બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સરસ્વતીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કક્ષાના અધિકારી, જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ ભરતભાઈ ચોવટીયા, તાલુકા કક્ષાના અધિકારી, ગામના સરપંચ, ઉપસરપંચ, સદસ્યો, લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા, ત્રણેય સંસ્થાના એસએમસી અધ્યક્ષ અને સદસ્યો, ગામના વડીલો, માતાઓ અને ભૂલકાઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯માં પ્રવેશ મેળવનાર બાળકોને આમંત્રિત મહેમાનોના હસ્તે જીવનમાં ઉપયોગી પુસ્તકો આપીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોટી ખિલોરી ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શૈક્ષણિક સ્ટાફ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે એસએમસીની બેઠક જેવા અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.