રાજકોટમાં ગુજરાતની અત્યાધુનિક પ્રથમ સાયબર લેબનું ચાર દિવસ પહેલાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. આ લેબમાં રિસર્ચ, તાલીમ અને ડિટેક્શન સહિતની કામગીરી થાય છે. રાજકોટ સાયબર લેબના સ્ટાફે કરેલા રિસર્ચમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધી રહ્યું છે. ક્યુઆર કોડ સ્કેન કરીને રકમ ચૂકવવામાં આવે છે, પરંતુ આ રિસર્ચ મુજબ જો ક્યુઆર કોડ સ્કેનમાં ગઠિયાઓએ ખેલ પાડ્યો હોય તો તમારું બેંક બેલેન્સ ઝીરો થઇ જશે.
ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાયબર લેબમાં કેટલાક કિસ્સા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું જેના પરથી ચોંકાવનારી માહિતી ફલિત થઇ હતી. છેતરપિંડી આચરનારાઓ સ્ક્રેચ કાર્ડ સ્કેમ કરી રહ્યા છે, જેમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ બેંક એકાઉન્ટમાં રહેલી રકમ બારોબાર ઉપડી જવાની દહેશત રહે છે. સાયબર ગઠિયાઓએ ક્યુઆર સ્ક્રેચ કોડ દ્વારા લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં ઓનલાઇન ખરીદી કરતી વખતે જો બોગસ સાઇટ ક્લિક થઇ ગઇ હોય અને આવી નકલી સાઇટ પર આર્થિક વ્યવહાર કરતી વખતે તેમના દ્વારા મોકલવામાં આવેલો ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે આવી ઠગાઇ થઇ શકે છે.
ઓનલાઇન ખરીદી બાદ ડિલિવરીમેન વસ્તુ પહોંચાડવા આવે અને તેની સાથે જો ઓનલાઇન વ્યવહાર કરવામાં આવે અને આવા અજાણ્યા વ્યક્તિએ આપેલા ક્યુઆર કોડને સ્કેન કરવાથી છેતરપિંડી થવાની સંભાવના વધી જાય છે. બજારમાં પણ જ્યારે રૂબરૂ ખરીદી કરવા જતા હોય અને ત્યાં ક્યુઆર કોડ સ્કેન કરીએ ત્યારે પણ વેપારી સાથે સ્કેન વખતે સ્ક્રીનમાં દેખાતું પેઢી કે કંપનીનું નામ તે વેપારીનું જ છે કે કેમ તે અંગે પેમેન્ટ કરતા પહેલાં ચેક કરી લેવું જોઇએ.