સ્પામાં મુલાકાત થયાં બાદ જીવનભર સાથ નિભાવવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ

ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે મિતેશ હર્ષદ દોશી (ઉ.વ.37)નું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી બે વર્ષ પહેલા સાધુવાસવાણી રોડ પર આવેલ એક સ્પામાં નોકરી કરતી હતી. દરમિયાન તેમનો પરિચય આરોપી સાથે થયો હતો. જે બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષ 2023માં બંને વચ્ચે મિત્રતાથી આગળ વધી એકબીજાના ઘરે જવાના વ્યવહાર પણ શરૂ થયા હતા. જે બાદ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. પિતા બીમાર હતાં જેથી રૂપિયાની જરૂર હોય ત્યારે રૂપિયા પણ આપતા અને આરોપીએ તેને પત્નીની જેમ રાખવાની લાલચ આપી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી બન્ને પતિ-પત્નીની જેમ રહેવાં લાગતા અને આરોપી પોતાના ઘરે તેમજ મહિલાના ઘરે અને અલગ અલગ હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીએ દુષ્કર્મ ગુજારવાની સાથે માનસીક અને શારીરિક ત્રાસ આપવાનું પણ શરૂ કર્યું હતું.

જીવનભર સાથ નિભાવવાની વાત કરી અનેકવાર દુષ્કર્મ ગુજારી શારીરિક શોષણ કર્યું હતું. ગઈ તા.13ના આરોપીના ઘરે ગઈ ત્યારે પણ આરોપીએ તેને હડધૂત કરી બોલાચાલી કરી હતી. જે બાદ કંટાળીને ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપી મિતેષ દોષીને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી મહિલા પરણીત છે તેમજ આરોપી પણ પરિણીત છે. તેમના વર્ષ 2019માં છુટાછેડા થયેલ છે અને તેમને સંતાનમાં બે દીકરા છે જે તેમની સાથે રહે છે. હાલ આરોપીની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *