અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કોર્ટે સોમવાર સુધી તમામ પક્ષકારો પાસેથી લેખિત દલીલો માગી છે. આજે એટલે કે 24 નવેમ્બર શુક્રવારના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડની બેન્ચે આ કેસની સુનાવણી કરી.
CJIએ કહ્યું- અમારે અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી. હિંડનબર્ગ અહીં હાજર નથી, અમે SEBIને તપાસ કરવા કહ્યું છે. તે જ સમયે, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ કહ્યું કે તે તપાસ માટે વધુ સમય માગશે નહીં. તે 8 મહિનાથી આ મામલે તપાસ કરી રહી છે.
24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપ લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી સેબી તેનો રિપોર્ટ રજૂ કરી શકી નથી.