શહેરના ગુરૂપ્રસાદ ચોક વિસ્તારમાં રહેતા દંપતી પર તેના પુત્રના સાઢુભાઇએ ધોકાથી હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી, દંપતીની પુત્રવધૂ બાળક સાથે ક્યાય જતી રહી હોય તે બાબતે ચાલતી માથાકૂટમાં હુમલો થયો હતો.
ગુરૂપ્રસાદ ચોક પાસેના ત્રિવેણીનગરમાં રહેતા ગીતાબેન સંજયભાઇ પાંઉ (ઉ.વ.48)એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરેશ શિવા ચાવડાનું નામ આપ્યું હતું. ગીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે તે તથા તેમના પતિ સંજયભાઇ કારમાં ચંદ્રેશનગર મેઇન રોડ પરથી પસાર થતા હતા ત્યારે પરેશ શિવા ચાવડા પોતાની કાર લઇને ધસી આવ્યો હતો અને ગીતાબેન તથા તેના પતિને ગાળો ભાંડી ધોકાના ઘા ઝીંક્યા હતા એટલું જ નહી ગીતાબેનની કારમાં ધોકો મારી કાચ ફોડી નાખ્યો હતો.
ઘટનાને પગલે લોકો એકઠા થવા લાગતાં પરેશ ભાગ્યો હતો, જોકે ભાગતા ભાગતા પણ તેણે ગીતાબેનને ધમકી આપી હતી કે હવે ક્યાંય મળીશ તો જાનથી મારી નાખીશ. ગીતાબેને ફરિયાદમાં કહ્યું હતું કે, તેની પુત્રવધૂ પ્રતિક્ષા ચાર વર્ષના તેના પુત્ર ધનવીરને લઇને જતી રહી હતી ત્યારે ગીતાબેન તથા તેનો પુત્ર આ બાબતે પુત્રના પાટલાસાસુ અનપૂર્ણાબેનના ઘરે પૂછવા ગયા હતા ત્યારે તે બાબતે અનપૂર્ણાબેન સાથે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખી અન્નપૂર્ણાના પતિ પરેશે હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.