SD PAY / APNA PAY એપ્લિકેશન અને વેબસાઇટના માધ્યમથી રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવાના કેસમાં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે પણ ગાળિયો મજબૂત કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
₹5 લાખના રોકાણ સામે ₹9.83 લાખનું ખોટું કેશબેક દર્શાવ્યું
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ અગાઉથી આયોજિત ગુનાહિત કાવતરું રચી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવા SD PAY / APNA PAY નામની એપ્લિકેશન અને વેબસાઇટ ઊભી કરી હતી. ફરિયાદી પાસેથી ફેબ્રુઆરીથી ઓગસ્ટ દરમિયાન તબક્કાવાર કુલ ₹5,02,888 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ રોકાણ પર વળતર અને કેશબેક સહિત એપ્લિકેશન ડેશબોર્ડ પર આશરે ₹9,83,458 ની રકમ ઉપલબ્ધ હોવાનું દર્શાવવામાં આવતું હતું.
જોકે, જ્યારે ફરિયાદીએ આ નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ પરત મળી નહોતી. ત્યારબાદ પણ આરોપીઓ ફરિયાદીને વાતોમાં ભોળવી મદદના બહાને વધુ રકમ પડાવવાનો પેંતરો રચતા હતા. આ મામલે બીએનએસ (BNS) ની કલમ 318(4), 316(2), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટેકનિકલ એનાલિસિસથી ઔરંગાબાદનો નારાયણ કાંગણે ઝબ્બે
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે SD PAY / APNA PAY / UPAY DIGI PAYMENT PRIVATE LIMITED નામથી એપ્લિકેશન ડેવલોપ કરી ધવલ પટેલ, નિશી પ્રસાદ, હિતેશ શાહ સહિતના શખ્સો આ ગેરકાયદે નેટવર્ક ચલાવતા હતા. આ પૈકીના કેટલાક આરોપીઓની અગાઉ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચૂકી છે. વડોદરા સાયબર સેલે ડીજિટલ ટ્રેસિંગના આધારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે દરોડો પાડી નારાયણ અશોક કાંગણે નામના શખ્સને ઝડપી લીધો હતો.