જળ સંપત્તિ તેમજ નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ શહેરમાં અંદાજિત 30 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ તેમજ નગર વિસ્તારમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, જસદણ શહેરમાં ઉત્તરોત્તર સુવિધાઓનો વધારો થાય, નાગરિકોને વીજળી, પાણી, રસ્તા અને સલામતી જેવી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫માં નાણાપંચ અને અર્બન વિભાગમાંથી વિવિધ યોજનાઓ અંતર્ગત જસદણ શહેર માટે અંદાજિત 7 કરોડના સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, પુલ સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તબક્કાવાર વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. ગુનેગારો પર ચાંપતી નજર રહે અને નગર ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર થઈ સલામત બને તે માટે આટકોટ રોડથી વિંછીયા રોડ સુધીના વિસ્તારમાં 28 જેટલા સ્થળોએ 28.50 લાખના ખર્ચે સીસીટીવી લગાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અંદાજે 125 કરોડના ખર્ચે નવી યોજના બનાવવામાં આવી છે, જેના થકી સૌની યોજનાના પાણી બાખલવડથી પસાર થઈ શાંતિનગર ડેમ સુધી જોડાઈને જસદણ વિસ્તારના લોકોને ઉનાળામાં પણ પૂરતું પાણી મળે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે.