મોટાવડાની સ્કૂલના પ્રિન્સિપાલ પોલીસમાં હાજર, ધરપકડ કરાઇ

ખિરસરાના મોટાવડા સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીએ 21 દિવસ પૂર્વે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, આપઘાત કરતા પૂર્વે વિદ્યાર્થીએ સ્યુસાઇડનોટ લખી હતી અને એક વીડિયો બનાવ્યો હતો જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ તથા બે શિક્ષિકાના ત્રાસથી કંટાળી પોતે પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો, આ મામલાના 21 દિવસ બાદ શુક્રવારે મેટોડા પોલીસે શાળાના પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી. છાપરા ગામમાં રહેતા અને મોટાવડાની સરકારી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા ધ્રુવિલ ભરતભાઇ વરૂ (ઉ.વ.16)એ ગત તા.19 ઓક્ટોબરના પોતાના ઘરે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી, ધ્રુવિલે આપઘાત કરતા પૂર્વે વીડિયો બનાવ્યો હતો જેમાં ધ્રુવિલે કહ્યું હતું કે, શાળાની પરીક્ષા ચાલતી હતી જેમાં શાળાના પ્રિન્સિપાલ સચિન અને બે શિક્ષિકા મોસમી મેડમ અને વિભૂતિ મેડમે તેના પર પેપરમાં ચોરી કર્યાનો અને પેપર બહારથી લખી આવતો હોવાનું આળ મુક્યું હતું અને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી, આ કારણે પોતે અંતિમ પગલું ભર્યાનું જણાવ્યું હતું.

ધોરણ 11ના વિદ્યાર્થીના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી, પોલીસની નીતિ સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા, ઘટનાના 21 દિવસ બાદ શુક્રવારે મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઇ શર્મા સહિતની ટીમે શાળાના આચાર્ય રૈયામાં રહેતા સચિન મનસુખ વ્યાસની ધરપકડ કરી હતી, જોકે અન્ય બે આરોપી શિક્ષિકા મોસમી અને વિભૂતિ હજુ પણ પોલીસને હાથ આવ્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *