સૌરાષ્ટ્ર યુનિ., ITI, એઈમ્સ, પ્રદ્યુમ્ન પાર્કઅને બેડી ચોકડી રૂટ પર વધુ બસ દોડાવાશે

રાજકોટ શહેરમાં હાલ 151 બસ મારફત સિટીબસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લિ. (SPV) દ્વારા કરવામાં આવી રહી છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજિત 50,000થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે અને હવે શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ 26 સીએનજી બસ રાજમાર્ગો પર દોડતી કરવામાં આવી છે.

‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટીબસ સેવા ચલાવવામાં આવે છે. હાલ શહેરમાં સિટીબસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ૫૨ સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ તથા 99 ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે સોમવારના રોજ વધુ નવી 26 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવામાં આવી છે. આ 26 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસને મેયર નયનાબેન પેઢડિયા તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે ફ્લેગ આપી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે હવે કુલ 78 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે. શૈક્ષણિક સંસ્થા તેમજ શહેરની ભાગોળે આવેલી એઈમ્સ હોસ્પિટલ અને હરવા-ફરવાના સ્થળ પર બસની ફ્રિકવન્સી વધારાઈ છે જેથી શહેરીજનો ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *