MLA-કોર્પોરેટરએ વર્ષ પહેલાં અશાંતધારાની દરખાસ્ત કરી હતી

રાજકોટ શહેરમાં કોમી શાંતિ જાળવવા માટે મહેસૂલ વિભાગે અગાઉ બે વખત અશાંતધારાના જાહેરનામા બહાર પાડ્યા હતા અને વોર્ડ નં.2 તથા કોઠારિયા રોડ વિસ્તારની અમુક સોસાયટીઓ તેમાં આવરી લીધી હતી. ત્યારબાદ ગત 2023ની સાલના અંતમાં શહેરના ત્રણેય ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળા, કોર્પોરેટર કુસુમ ટેકવાણી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતાના મત વિસ્તારની 50 જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરે સિટી સરવે અને મામલતદારો પાસે સરવે કરાવ્યા બાદ આ અંગેનો રિપોર્ટ ગત જાન્યુઆરી માસમાં સરકારમાં મોકલી દેવામાં આવ્યો હતો. દરમિયાનમાં હવે તેમાં ફરી ક્વેરી આવી છે અને તેમાં ચેકલિસ્ટ મુજબ ડેટા મોકલવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ સિટી પ્રાંત અધિકારીના સૂત્રોએ જણાવ્યા અનુસાર અશાંતધારામાં જે વિસ્તારોને સમાવવાના હોય તેની આસપાસના 500 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારો ક્યાં વોર્ડમાં આવે છે, સિટી સરવે, રેવન્યુ સરવે નંબર, ટી.પી. નંબર, એફ.પી.નંબર, ક્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે સહિતની વિગતો ચેકલિસ્ટ મુજબ મોકલવા સૂચના મળી છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા દરખાસ્ત કરવામાં આવી છે તે વિસ્તારમાં હાલમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની કેટલી-કેટલી વસ્તીઓ રહે છે, વિધર્મીઓના દસ્તાવેજોની સંખ્યામાં કેટલો વધારો થયો તે સહિતની વિગતો પણ માગવામાં આવી છે. ધારાસભ્યો અને કોર્પોરેટરે દરખાસ્ત કરી છતાં એક વર્ષ સુધી ઠોસ કામગીરી ન થતાં આ પાછળ પ્રાંત કચેરીનો સ્ટાફ જવાબદારો હોવાનો સૂર ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *