મૂળ એમપીનો પરિવાર કોઠારીયા ગામે રણજીતસિંહ બારડની વાડીમાં ખેત મજૂરી કરે છે અને ત્યાં વાડીમાં જ રહે છે. આ પરિવારની 16 વર્ષની દીકરી છે. દીકરીના પિતા 25 દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગયા છે. થોડા દિવસો સગીરાની માતા તેને શોધવા વતનમાં ગયેલ પણ પિતા મળ્યાં ન હતા, જેથી માતા પરત કોઠારીયા આવી ગયા હતા. અહીં સગીરા અને તેના ભાઈ-બહેન સાથે રહેતી હતી. આ દરમિયાન વિમલ ખાવા બાબતે ઝઘડો થયો હતો અને કામ કરવા બાબતે પણ ઝઘડા થતા હતા. ઘરમાં થતા આવા ઝઘડાથી કંટાળી સગીરાએ અંતે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી, સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. સગીરા જિદ્દી સ્વભાવની હોવાથી ગુસ્સામાં પગલું ભર્યું હોવાનું પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં જિલ્લા ગાર્ડન પાસે રહેતા 37 વર્ષીય યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા. 7.03.2025ના તેને અજાણ્યા વોટસએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. ત્યારબાદ વાત કરવા જણાવ્યું હતું. બાદમાં યુવાને તેની સાથે વાત કરતા આ શખસે હું તમારો શુભચિંતક છું અને તમારી પત્ની બીજા સાથે રાત્રે વાત કરતી હોય છે એવા મેસેજ કર્યા હતા. આ શખસે યુવાનના ઇન્સ્ટાગ્રામ આઈડી પર તેને તેની પત્નીનો ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ભત્રીજી પણ આ બાબત જાણે છે. ત્યારબાદ આ શખસ અવારનવાર યુવાનને તેની પત્ની બાબતે મેસેજ કરી બીજા સાથે વાત કરતી હોવાની ખોટી વાતો જણાવી હેરાન-પરેશાન કરતો હોય. યુવાને આ અંગે પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં અરજી કરી હતી. ત્યારબાદ આ અંગે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ કરતા આ મોબાઈલ નંબર પ્રવીણ નામના વ્યક્તિનો હોવાનું માલુમ પડ્યું હતું અને આ શખસ ફરિયાદીનો સંબંધી થતો હોવાનું માલુમ પડયું હતું. આ પ્રકારના મેસેજ કરવાનો તેનો ઇરાદો શું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.