આફ્રિકન દેશ મલાવીના વાઇસ-પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે 24 કલાકના સર્ચ-ઓપરેશન બાદ ઉપ-રાષ્ટ્રપતિના વિમાનનો કાટમાળ મળ્યો છે. વિમાનમાં 9 લોકો સવાર હતા, તેમાંથી કોઈ બચ્યું નથી.
મલાવીના ઉપ-રાષ્ટ્રપતિનું વિમાન 10 જૂન, સોમવારે સવારે રડારથી ગુમ થયું હતું. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, એવિએશન ઓથોરિટીએ ઘણી વખત પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.
ચિલિમાના વિમાને સોમવારે બપોરે ભારતીય સમય અનુસાર, 2:47 કલાકે મલાવીની રાજધાની લિલોંગવેથી ઉડાન ભરી હતી. લગભગ 45 મિનિટ પછી એ મજુજુ શહેરના એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. જોકે ખરાબ હવામાનને કારણે એ લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી પ્લેનને લિલોંગવે પરત લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. આ પછી આ પ્લેન ગુમ થઈ ગયું હતું. મલાવીએ આ વિમાનને શોધવા માટે અમેરિકા, બ્રિટન, નોર્વે અને ઈઝરાયલની સરકારો પાસે પણ મદદ માગી હતી.