રાજકોટમાં બે પરિણીતાને સાસરિયાંના ત્રાસની ફરિયાદ, પોલીસે કાર્યવાહી કરી

રાજકોટમાં મહિલા પોલીસ મથકમાં બે પરિણીતાએ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૈયા ગામ મફતિયાપરામાં રહેતી રતિબેન વસ્તાભાઇ બાંભવા (ઉ.32)એ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે પતિ વસ્તા થોભણભાઇ બાંભવા, સાસુ માનાબેન, જેઠ લાખા, ગાંગા, મંગા, સીદા અને કનુના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન તલોદ ગામે રહેતા વસ્તા સાથે થયા હતા. બાદમાં તે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય થોડા વર્ષ બાદ આણું વાળી તેડી ગયા બાદ પતિ એ કહ્યું કે, ‘તારા બાપના ઘેરથી તને કાઇ આપેલ નથી તો તારા બાપને કહે કે, 11 ઘેટાં-બકરાં આપે,’ કહી હેરાન કરતા હતા. ત્યાર બાદ તેને પુત્રીને જન્મ આપ્યો હતો અને આ દીકરી વખતે ગર્ભમાં ત્રણ બાળક હતા જેમા બે પુત્ર હતા જે સુવાવડ વેળાએ બે પુત્રના મૃત્યુ થયા હતા અને પુત્રી જીવતી રહી હતી. જેથી પતિ સહિતના મેણાં મારતા હતા અને જેઠ લાખાએ કહ્યું કે, તે બે દીકરા મારી નાખેલ અને દીકરીઅોને જ જન્મ આપે છે. અમારે શું કરવી, અમારે દીકરો જોઇએ છે. મારા પતિને પણ કહ્યું કે આને કાઢી મૂક, કહી ત્રાસ આપતા હોય જેથી રિસામણે ચાલી ગઇ હતી અને ત્યાં પુત્રનો જન્મ થયો હતો ત્યાર બાદ સમાધાન કરી ઘેર લઇ ગયા હતા અને થોડા દિવસો બાદ ફરી પતિ અવાર-નવાર ઝઘડાઓ કરી મારકૂટ કરતો હોય અને કહ્યું કે, ‘તું તારા પિયર જતી રહે નહીંતર તને મારી નાખીશ,’ કહી કાઢી મુક્યાનું જણાવતા પીએસઆઇ સવનિયા સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા બનાવમાં નાનામવા નજીક મોકાજી સર્કલ પાસેના લજપતરાય ટાઉનશિપમાં માવતરના ઘેર રહેતી અને મૂળ અમદાવાદની નેહાબેન સાહિલભાઇ પટેલ (ઉ.32)અે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે પતિ સાહિલ, સસરા રમણભાઇ હિરાભાઇ પટેલ, સાસુ ગીતાબેનના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, નેહાબેને બી.કોમનો અભ્યાસ કર્યો હોવાનું અને તેના લગ્ન સને 2022માં અમદાવાદના સાહિલ સાથે થયા હતા અને સાહિલના બીજાલગ્ન હતા અને પતિ એન્ટાસ ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના ત્રણેક માસ બાદ ઘરકામ બાબતે સાસુ-સસરા ઝઘડા કરતા હતા અને સાસુ કહેતા કે, મારા સાહિલની પહેલી પત્ની તો કરિયાવરમાં ઘણું લાવી હતી, પતિએ મારકૂટ કરી હતી. સાસુ તેમજ સસરા હેરાન કરતા હોય જે અંગે ભાઇને ફોન કરી જાણ કરી હતી અને પતિ અને સસરાએ અમારા વચેટિયાને કહ્યું કે, હવે અમારે નેહાને જોઇતી નથી તે માનસિક રીતે બીમાર તેમ કહી કાઢી મૂકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *