રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ કથળતી જોવા મળી રહી છે. એક બુટલેગરના જૂથે બીજા બુટલેગરના જૂથ પર ગત રાત્રીના સરાજાહેર કરેલ સશસ્ત્ર હુમલામાં એકનું મોત નિપજતાં હત્યાની કોશિશનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. રાજકોટના ઢેબર રોડ પર ઢેબર કોલોનીમાં સામું જોવા જેવી નજીવી બાબતે લાંબા સમયથી દુશ્મન બની બેઠેલાં બે જૂથ વચ્ચે થયેલ માથાકૂટ બાદ રાતના સમયે હથિયારો સાથે ઘસી આવેલા 9 શખ્સોએ પાનબીડીના ધંધાર્થી અને તેના પરિવાર પર હુમલો કરી વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પાન બીડીની દુકાન ધરાવતાં યુવાન સહિત ચારને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ, ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
રાજકોટ શહેરના ઢેબર કોલોનીમાં જોગણીમાં અને રખાબાપાના મંદિર પાસે રહેતાં વિક્કી સુરેશભાઈ સોલંકી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, ભીમાનો છોકરો શૈલેષ, ભીમાનો છોકરો નિલેશ, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજીનું નામ આપતાં ભક્તિનગર પોલીસે બીએનએસ એક્ટ 109(1), 118(2), 117,118(1), 189(3), 189(4),190,191(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.