રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને પગલે વિવિધ તંત્ર નિયમોનું ધરાર પાલન કરાવવા મેદાનમાં આવી છે. તેમાં આરટીઓ તંત્રનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલવાન સંચાલકો સાથે બેઠક કરી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તાત્કાલિક સ્કૂલવાનનું ટેક્સી પાસિંગ કરાવી લેવા અને વાનમાં બાંકડો ન રાખવાની સૂચના આપી હતી, પરંતુ શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન દોડતી હોય ટૂંકા સમયમાં ટેક્સી પાસિંગ થઇ શકે તેવી શક્યતા ન હોય સ્કૂલવાન સંચાલકો દ્વારા સમય મર્યાદા વધારી દેવા માંગ કરી હતી. તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ નહિ આવતા સ્કૂલવાન સંચાલક મંડળના બહાદુરસિંહ ગોહિલ, અજયભાઇ બોરીચા સહિતનાઓએ મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી હતી.
દરમિયાન સ્કૂલવાન સંચાલકોના આવેદનને પગલે બુધવારે કલેક્ટર પ્રભવ જોષીએ આરટીઓ અધિકારી, વાન સંચાલકો સાથે બેઠક ગોઠવી હતી. પરંતુ રાજકોટ આરટીઓ અધિકારી કે.એમ.ખપેડ રજા પર ગયા હોવાથી બેઠકમાં આરટીઓ તંત્રના કોઇ અધિકારી હાજર રહ્યાં ન હતા. જેને કારણે કોકડું વધુ ગૂંચવાયું હતું. જેને કારણે કલેક્ટર જોષીએ સ્કૂલવાન સંચાલકોને બે દિવસમાં ટેક્સી પાસિંગ કરાવી લેવા અને બાંકડાની જગ્યાએ સીટ મૂકવા જણાવાયું હતું. ત્યારે ગુરુવારથી શહેરની તમામ શાળા-કોલેજનું નવું સત્ર શરૂ થઇ રહ્યું છે. તેવા સમયે બાળકોના પરિવહન કરતા સ્કૂલવાનના નિયમો અંગે કોઇ ચોક્કસ નિર્ણય નહિ આવતા સ્કૂલવાન સંચાલકોમાં નારાજગી વ્યાપી ગઇ હતી.