WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે. આ લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરામાં નવા સ્થળ પર તેમના ઘરઆંગણે ડેબ્યુ માટે તૈયારી છે. ગુરુવારે, ટીમે અમદાવાદમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં હેડ કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ હરલીન દેઓલ અને શબનમ શકીલ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના CBO સંજય આદેસરા હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત જાયન્ટ્સે WPL 2025 માટે તેમની જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.
આ વર્ષે ટાઇટલ જીતવું એ જ ટાર્ગેટ છે- હેડ કોચ હેડ કોચ માઈકલ ક્લિંગ રે આ સિઝનમાં તેમની ટીમ માટે મહત્વાકાંક્ષાઓ રજૂ કરી હતી અને આ વર્ષે ટાઇટલ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ટીમની તૈયારીઓ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, “બધા ખેલાડીઓ ખરેખર ઉત્સાહિત છે. વિદેશી ખેલાડીઓ આગામી એક કે બે દિવસમાં આવવાનું શરૂ કરશે અને પછી બધા સાથે મળીને કામ શરૂ કરી શકીશું.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે ચોક્કસ જ અહીં ખૂબ જ સખત સ્પર્ધા કરવા માટે આવ્યા છીએ. અમે શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સુક છીએ અને આશા રાખીએ છીએ કે ફાઇનલ માટે ક્વોલિફાય થઈશું. મને લાગે છે કે, થોડા ઉમેરાઓની દ્રષ્ટિએ અમારી પાસે ટીમમાં તે કરવા માટે પૂરતી ક્ષમતા છે. એક વાત જેનો મને ખરેખર ગર્વ હતો તે એ છે કે, છેલ્લી WPL સીઝનથી, અમારા છ ખેલાડીઓ A ટીમમાં રમી રહ્યા છે અને તેમાંથી કેટલાક ખેલાડીઓ પહેલી વાર સિનિયર ટીમમાં રમી રહ્યા છે. આથી, ટોચના સ્તરના ક્રિકેટ અને અન્ય ફ્રેન્ચાઇઝ ક્રિકેટના અનુભવ સાથે અમને સારી સ્થિતિમાં રહેવામાં જરૂરી મદદ મળશે.”