ગેરકાયદે બાંધકામ દૂર કરવા માગણી

રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલના જૂના બિલ્ડિંગ રિટ્રોફિટિંગ કરવા અને શૈક્ષણિક હેતુ માટે સંચાલન કરવા માટે આપેલા બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ સામે શરતભંગના પગલાં લેવા અને ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવા મિલપરામાં રહેતા મિતેશભાઇ ગણાત્રાએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ કલેક્ટર દ્વારા તા.8-9-2021ના રોજ બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટને કરણસિંહજી હાઇસ્કૂલના જૂના બિલ્ડિંગને રિટ્રોફિટિંગ કરવા તથા શૈક્ષણિક હેતુ માટે સંચાલન કરવા માટે આપવામાં આવ્યું હતું. જેમાં શરતભંગ થતા ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ તપાસ કરી આપના દ્વારા કાયમી મનાઇ હુકમ આપવામાં આવ્યો છે. આ સ્કૂલનું સંચાલન ટ્રસ્ટને સોંપતી વેળાએ એવી શરતો રાખવામાં આવી હતી કે, જમીન માલિકી કાયમી ધોરણે સરકાર હસ્તક રહેશે, સંસ્થાએ શૈક્ષણિક કાર્ય માટે શિક્ષણ વિભાગની આનુસંગિક મંજૂરીઓ મેળવવાની રહેશે, સંસ્થાએ ગરીબ અને પછાતવર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે, સંસ્થાના સંચાલન માટેની કમિટીમાં રાજકોટ કલેક્ટર અને ડીઇઓ કાયમી સભ્ય રહેશે, સરકારને આ મિલકતની જરૂરિયાત ઊભી થાય ત્યારે વિના વળતરે સંસ્થાએ સરકારને કબજો પરત કરવાનો રહેશે, સરકારના સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર ખુલ્લી જગ્યામાં નવું બાંધકામ કરી શકાશે નહીં, મિલકતના હયાત સ્ટ્રક્ચરમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં, હયાત સ્ટ્રક્ચર જાળવી રાખીને રિટ્રોફિટિંગની કામગીરી કરવાની રહેશે, મિલકતનો શૈક્ષણિક હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરવાનો રહેશે નહીં, પેટા ભાડે આપી શકાશે નહીં, રિટ્રોફિટિંગનો સંપૂર્ણ ખર્ચ સંસ્થાએ જ ભોગવવાનો રહેશે તેમજ ભવિષ્યમાં તે અંગેના વળતરની માગણી કરી શકાશે નહીં, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ ઉપયોગ શરૂ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *