રાજકોટના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે રૂ.167 કરોડના ખર્ચે આઇકોનિક કેબલ બ્રિજ બનવાનો છે જેનું ખાતમુહૂર્ત ગત 26મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણની કામગીરી ચોમાસા બાદ શરૂ થશે પરંતુ તે પહેલા અન્ય કામગીરી પૂર્ણ કરવા મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટીપી શાખાએ કવાયત આદરી છે. વેસ્ટ ઝોન કચેરીની ટીપી બ્રાન્ચ દ્વારા 7.50 મીટરના સર્વિસ રોડ માટે 11 મિલકતધારકોને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. કોસ્મોપ્લેક્સ સિનેમાના સંચાલકો સહિતના જમીનધારકોએ સ્વૈચ્છાએ પોતાનું બાંધકામ તોડવાનું શરૂ કરી દીધાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ બ્રિજના નિર્માણમાં બન્ને બાજુ 7.50-7.50 મીટરનો સર્વિસ રોડ બનાવવાના થાય છે. જેના માટે વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તાજેતરમાં 11 મિલકતધારકોને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતની નોટિસ આપવામાં આવી છે.
કટારિયા બ્રિજ માટે જે 11 મિલકતધારકોની જગ્યા કપાતમાં જાય છે તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવા મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગમાં ઠરાવ પણ કરી નાખ્યો છે. જ્યારે મિલકતધારકો તેમના કપાતમાં આવતા બાંધકામ દૂર કરી જગ્યાનો કબજો મહાનગરપાલિકાને સોંપી દેશે ત્યારબાદ મનપા આ મિલકતધારકોને ફાળવેલી વૈકલ્પિક જગ્યા માટેનો દસ્તાવેજ કરી આપશે તેમ વેસ્ટ ઝોનના એન્જિનિયર સીતાપરાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સબંધિત તમામ વિભાગોને પાણી, ડ્રેનેજ, ટેલિકોમ, ગેસ અને વીજ લાઇન શિફ્ટિંગ માટે સૂચના આપી દેવામાં આવી છે અને તે ચોમાસા પૂર્વે પૂર્ણ કરી લેવા તાકીદ કરાઇ છે.